i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) અડદમાં પીળીયો રોગનું નિયંત્રણ જણાવો.

જવાબ :   અડદમાં પીળીયો રોગ વિષાણુંથી થાય છે. રોગપ્રતિકારક જાત ટી-૯ નું વાવેતર કરવું. આ રોગ સફેદમાખી દ્વારા ફેલાતો હોઈ મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઈસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

(2) અડદમાં વધુ ઉત્પાદન આપતી જાત કઈ? ઉનાળામાં અડદનું વાવેતર કેવા વાતાવરણમાં થઈ શકે?

જવાબ :  

અડદમાં વધુ ઉત્પાદન આપતી જાત ટી-૯ છે. જે ખેડૂતોમાં ખુબ જ લોકપિ્રય છે. એક સાથે પાકી જાય છે. જેથી આ જાતનું સારુ બિયારણ બીજ નિગમ અથવા કૃષિ યુનિવરસિટીમાંથી સમયસર મેળવીને જ વાવવું. વધુ ઉત્પાદન મેળવવા મગ પાકમાં જોઈ ગયેલ બધા જ મુદ્દાનો ખ્યાલ રાખવો. અડદનું વાવેતર દરિયાકાંઠાના વિસ્તારમા જયાં ગરમીનું  પ્રમાણ ઓછુ હોય ત્યાં જ વાવેતર કરવાથી ભલામણ છે. આ પાક ગરમી સહન કરી શકે તેવો પાક નથી.ગરમી વધુ પડે ત્યાં ધારણા પ્રમાણે ઉત્પાદન મળતુ નથી.

(3) ઉનાળામાં કયા કઠોળ પાકો વાવી શકાય ?

જવાબ :  

ઉનાળા દરમ્યાન આપણે મગ,અડદ અને ચોળાનું વાવેતર મુખ્યત્વે કરી શકીએ. આમાંથી અડદનું વાવેતર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં જયાં ગરમીનું પ્રમાણ ઓછું રહેતું હોઈ અને હવામાન ભેજવાળુ હોય ત્યાં ઉનાળામા અડદ વાવી શકાય છે. જયારે અન્ય વિસ્તારમા ઉનાળામા મગ અને ચોળાનું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવતા સારી મળે છે અને ૭૦ થી ૭પ દિવસે  પાકી જાય છે.

(4) મગના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે કઈ નિંદામણનાશક દવા વાપરી શકાય ?

જવાબ :  

મગના પાકમાં વાવેતર બાદ તુરત જ (ર-૩ દિવસમાં ) પેન્ડીમેથાલીન દવા ૧.૦ કિ.ગ્રા/હેકટર છંટકાવ કરવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

(5) અડદમાં આવતા ભૂકી છારાના રોગને કઈ રીતે ઓળદશો અને તેને કાબૂમાં કઈ રીતે લેશો?

જવાબ :  
  • આ રોગ ખેતરમા છોડ ૩૦ થી ૩પ દિવસનો થાય એટલે રોગની શરૂઆત થાય છે. આ રોગમાં પાન પર સફેદ પાવડર જોવા ધાબા પડે છે. ત્યાર બાદ  પાંદડાની દાંડી,શીંગ અને થડ પર ધાબા જોવા મળે છે.
  • નિયંત્રણ જોઈએ તો આ રોગની શરૂઆત થાય કે તુરત જ દ્વાવ્ય ગંધક ૧૦ લી. પાણીમાં ર૦ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૦ લી. પાણીમાં ૧૦ ગ્રામ અથવા હેકસાકોનોઝોલ ૧૦ લી.  પાણીમાં ૧૦મી.લી. ભેળવી છાંટવાથી રોગનું નિયંત્રણ સારું મળશે. જરૂર જણાય તો ૧પ દિવસ પછી બીજો છંટકાવ કરવો.

(6) મગ અને અડદ પાકમા વિષાણું જન્ય કયા કયા રોગો આવે છે. તેને કાબૂમાં કઈ રીતે લેવો?

જવાબ :  
  • કઠોળ પાકમાં વિષાણુંથી જે રોગો આવે તેમા ચોળા અને અડદમા પચરંગીયો, મગમા પીળો પચરંગીયો, અડદ અને મગમા પાનનો કોકડવા જયારે તુવેરમાં વંધ્યત્વ નો રોગ અને ચણામા સ્ટંટના રોગોનો સમાવેશ થાય છે.
  • પચરંગીયો: પીળો પચરંગીયો જેમા પાન પીળા રંગના અનિયમિત આકારના છુટા છવાયા ટપકના જોવા મળે છે. તે મોટા થતા આખું પાન પીળું પડી જાય છે.
  • કોકડવા: પાન કોકડાઈ જઈ છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ રોગોના નિયંત્રણ માટે તેનો ફેલાવો કરતી રસ ચુસનાર જીવાતોનું નિયંત્રણ કરવુ જરૂરી છે. તે માટે શોષક પ્રકારની કીટનાશીં દવાનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત બીજની પસંદગીમાં સારી ગુણવતાવાળુ અને પ્રમાણિત બીજ વાપરવાનો આગ્રહ રાખવો. રોગ પ્રતિકારક જાતો વાવેતર માટે લેવી જોઈએ. રોગીષ્ટ છોડ ખેતરમાં જોવા મળે કે તુરત જ ઉપાડી નાશ કરવો જેથી રોગ આગળ ફેલાતો અટકાવી શકાય.

(7) કઠોળ પાકોમાં કેવા પ્રકારની જીવાતો નુકશાન કરે છે?

જવાબ :  

કઠોળ પાકોમાં ઉગાવો થાય ત્યારથી કાપણી સુધીમા જુદા જુદા પ્રકારની જીવાતો નુકશાન કરે છે. નુકશાન પ્રકાર પ્રમાણે  આ જીવાતો મુખ્ય  બે ભાગમાં વહેંચી શકાય.

૧. રસ ચુસનારી જીવાતો અને

ર. પાન અને શીંગો કોરી ખાનારી જીવાતો

(8) કઠોળ પાકમાં ચુસીયા પ્રકારની કઈ કઈ જીવાતો આવે છે. અને તેના નિયંત્રણ માટે શુ કરવું?

જવાબ :  

કઠોળ પાકમા રસ ચુસી નુકશાન કરતી જીવાતોમાં તડતડીયા, મોલોમશી, થ્રીપ્સ, સફેદ માખી, શીંગના ચુસીયા અને પાનકથીરી મુખ્ય છે. ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ  માટે  શોષક પ્રકારની જંતુનાશક દવાનો જેવી કે ડાયમીથોએટ ૧૦ મી.લી અથવા મીથાઈલ ઓ ડીમેટોન ૧૦ મી.લીદવા ૧૦ લીટર પાણીમાં મેળવીને જીવાતોનો ઉપદ્રવ જોવા મળે ત્યારે છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦-૧ર દિવસે બીજો છંટકાવ કરવો.

(9) મગ અડદમાં આવતા કાલવ્રણના લક્ષાણો અને કાબૂમાં લેવાના ઉપાયો જણાવો ?

જવાબ :  

આ રોગ અડદ અને મગમા ખરીફ ઋતુમા જોવા મળે છે.જે ફૂગથી થાય છે. તેના લક્ષાણોમાં પાન,ડાળી અને શોંગો પર પાણી પોચા ચાંઠા પડે છે. જે મોટા થતા બદામી રંગના થાય છે. રોગની તિવ્રતા વધુ હોય તો પાન ખરી પડે છે અને પાક હલકી ગુણવતાવાળો થાય છે. આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થાય કે તુરત જ કાર્બેન્ડાઝીમ ૧૦ લી. પાણીમાં ૧૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૧૦ લી. પાણીમાં રપ ગ્રામ અથવા હેકસાકોનોઝોલ ૧૦ લી.  પાણીમાં ૧૦ મી.લી. છંટકાવ કરવાથી નિયંત્રણ સારૂં મળશે. જરૂર જણાય તો જ બીજો છંટકાવ પહેલા છંટકાવના ૧પ દિવસ પછી  કરવો.

(10) ઉનાળુ મગ અને અડદમાં આવતા રોગ જીવાત અને તેના નિયંત્રણ વિશે માહિતી આપશો?

જવાબ :  

ઉનાળામા સામાન્ય રીતે રોગ જીવાતના પ્રશ્નો બહુ  રહેતા નથી. તેમ છતાં પંચરંગીયા રોગથી ઘણુ નુકશાન થાય છે. આ રોગમાં છોડ એકદમ પીળા પડી જાય છે. તે વિષાણું જન્ય રોગ છે. જેના નિયંત્રણ માટે  ડાયમીથોએટ ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લી. અથવા ફોસ્ફામીડોન ૧૦ લીટર પાણીમાં પ મિ.લી. અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ લીટર પાણીમાં ૧૦ મિ.લી. દવા ભેળવી છાંટવાથી રોગ ફેલાવનાર સફેદમાખીનું નિયંત્રણ મળતા રોગ કાબુમાં રહે છે.