પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::


(1) આદુની ખેતી પધ્ધતિ વિષે માહિતી આપો ?

જવાબ :   આદુની ખેતી એપ્રિલ-મે માસમાં કરવામાં આવે છે. એક હેક્ટરે રોપણી માટે ૧૦૦૦ થી ૧૨૦૦ કિલો અંગુલીગાંઠોની જરૂરીયાત રહે છે. તેની સુપ્રભા,સુરૂચિ અને સુરભી એ સુધારેલ જાતો છે. આદુની રોપણી ૩૦ સે.મી. × ૧૫ સે.મી.ના અંતરે કરવામાં આવે છે. જમીન તૈયાર કરતી વખતે ૩૦ થી ૩૫ ટન સારૂ કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવામાં આવે અને પાયામાં ૨૫ + ૪૦ + ૬૦ કિગ્રા/હે. મુજબ ના + ફો + પો. રાસાયણિક ખાતરો આપવામાં આવે છે. પાક બે મહિનાનો થયે હેક્ટરે ૨૫ કિગ્રા નાઈટ્રોજન પાળા ચઢાવતી વખતે પૂર્તિ ખાતર તરીકે આપવામાં આવે તો પાકમાં ઉત્પાદન સારૂ મળે છે. પ્રથમ પિયત આદુની રોપણી પછી તુરતજ આપવું. ત્યારબાદ પિયત ૬ થી ૭ દિવસના અંતરે આપવું જોઈએ. ચોમાસામાં વરસાદ ખેંચાય ત્યારે અને શિયાળામાં ૮થી૧૦ દિવસના અંતરે જમીનની પ્રત અને આબોહવાને ધ્યાનમાં રાખીને જરૂરિયાત મુજબ પિયત આપવા. મધ્યમ કાળી જમીનમાં ૧૨-૧૨ અને ગોરાડું જમીનમાં ૧૪થી૧૬ પિયતની જરૂરીયાત પડે છે. આદુની ખેતીમાં સામાન્ય રીતે સાંજના સમયે પિયત આપવું હિતાવહ છે. પાક પરિપક્વ થયે પાન પીળાં પડી છોડ ઢળવા લાગે એટલે કે જાન્યુઆરી માસમાં આદુ ખોદીને કાઢવામાં આવે છે. એક હેક્ટરે અદાજે ૨૦ થી ૨૫ ટન આદુનુ ઉત્પાદન મળે છે.તથા ૧૦૦ કિ.ગ્રા. આદુમાંથી ૨૦ કિ.ગ્રા. જેટલું સૂંઠનું ઉત્પાદન મેળવી શકાય છે.

(2) ગુજરાત રાજયના તાપમાન અને જમીનને માફક આવે તેવી લીલા અને સુકા આદુ માટે કઈ જાતો વિકસાવેલ છે.?

જવાબ :  

ગુજરાતના તાપમાન અને જમીનમાં માફક આવે તેવી સુપ્રભા, સુરૂચિ અને સુરાવી જાતો છે જયારે લીલો આદુ માટે સીંગાપુરી, રીયોડી જાનેરો જાતો અને સુકા આદુ માટે મહા, નાડિયા જાતો વિકસાવવામાં આવેલ છે.

(3) આદુની ગાંઠોમાં સડો આવતો અટકાવવા શું કરવું જોઈએ?

જવાબ :  

આદુની ગાંઠોને ૦.પ% સેરેસાન દ્રાવણમાં બોળીને વાવણી કરવાથી સડો આવશે નહી. મુખ્યત્વે સપ્ટેમ્બર માસ દરમ્યાન ગરમી અને જમીનના વધુ પડતા ભેજને કારણે આદુમાં ગાંઠના સડાનો રોગ થાય છે.