i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) જૈવિક ખાતરો કેવી રીતે ઉપયોગી છે?

જવાબ :  

જૈવિક ખાતરો આપવાથી રાસાયણિક ખાતરો ઓછા આપવા પડે છે અને તે આર્થિક રીતે કિંમતમાં સસ્તા છે. ખેતીના ઉત્પાદનમાં વધારો કરે છે. ધાન્યપાકોના બિયારણને એઝેટોબેક્ટર કલ્ચર અને કઠોળપાકોના બિયારણને રાઈઝોબિયમ કલ્ચરનો પટ આપવામાં આવે છે. તેના કલ્ચર બજારમાં તૈયાર મળે છે. ફોસ્ફ્સરસ તત્વ માટે ફોસ્ફોબેક્ટર કલ્ચર મળે છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા અનુભવ પ્રવાહી જૈવિક ખાતર તૈયાર કરવામાં આવેલ છે જેના પરિણામો ઘણા સારા છે તે નજીવી કિંમતે ખેડૂતોને આપવામાં આવે છે. તે મેળવવા માટે વિભાગીય વડા, માઈક્રોબાયોલોજી વિભાગ અને બાયોફર્ટીલાઈઝર પ્રોજેક્ટ આકૃયુ., આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૨૫૮૧૩/૨૬૦૨૧૧) ખાતે સંપર્ક સાધવો. 

(2) જૈવિક ખાતરનો પ્રકાર અને યુનિવર્સિટીમાંથી કયા ભાવે મળશે ?

જવાબ :  

આણંદ ખાતેથી અનુભવ પ્રવાહી જૈવિક ખાતર મળે છે જેનો બિયારણ ને પટ આપી, ધરૂને માવજત આપી, ચાસમાં ઓરીને તેમજ ટપક પિયત પધ્ધતિની ટાંકીમાં નાખીને તથા છોડ પર છંટકાવ કરીને વાપરી શકાય છે. તેનું વેચાણ ૫૦૦ મિ.લિ. ૧ લિટર અને ૫ લિટરના પેકિંગમાં નિયત કરેલ કિંમતે નહી નફો નહી નુકશાનના ધોરણે રજાના દિવસો સિવાય ૯ થી ૫ ના સમયે કરવામાં આવે છે જે માટે વિભાગીય વડા, માઈક્રોબાયોલોજી વિભાગ અને બાયોફર્ટીલાઈઝર પ્રોજેક્ટ આકૃયુ., આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૨૫૮૧૩/૨૬૦૨૧૧) ખાતે સંપર્ક સાધવો.  

(3) જૈવિક ખાતર વાપરવાથી ઉત્પાદન ઓછુ મળે છે ?

જવાબ :  

જૈવિક ખાતર વાપરવાથી શરૂઆતમાં ઉત્પાદન ઓછુ મળે છે પણ આગળ જતાં ઉત્પાદન વધુ મળે છે સાથે જમીનની ફળદ્રુપતા સુધરશે.ફક્ત જૈવિક ખાતર ના વાપરતાં રાસાયણિક ખાતર અથવા તો સેન્દ્રિય ખાતર સાથે સંકલનમાં ઉપયોગ કરવો જરૂરી છે.  

(4) રાઈઝોબિયમ કલ્ચર વિશે માહિતી આપશો ?

જવાબ :  

રાઈઝોબિયમ કલ્ચર કઠોળપાકમાં આપવામાં આવે છે. જે તે પાક માટે રાઈઝોબિયમની જાતો ભલામણ કરવામાં આવેલી છે તેથી તે પાક મુજબ બનાવવામાં આવેલ કલ્ચરનો જ ઉપયોગ કરવાથી વધુ ફાયદો થાય છે. વિશેષ માહિતી માટે વિભાગીય વડા, માઈક્રોબાયોલોજી વિભાગ અને બાયોફર્ટીલાઈઝર પ્રોજેક્ટ આકૃયુ., આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૨૫ ૮૧૩/૨૬૦૨૧૧) ખાતે સંપર્ક સાધવો.  

(5) માઇકોરાઇઝા કઇ રીતે આપવી?

જવાબ :  

માઇકોરાઇઝા જૈવિક ખાતર સાથે મીક્ષ કરી ચાસમાં આપવી. 

(6) જૈવિક જીવાત નિયંત્રણ એટલે શું?

જવાબ :  

ખેતીના પાકને નુકસાન કરતી જીવાતોને ખાઈને પરજીવી અને પરભક્ષી કીટકો, કરોળીયા કુદરતમાં હયાત હોય છે. આવા પરજીવી અને પરભક્ષી જીવો પાકને નુકસાન કરતી જીવાતોને કાબૂમાં રાખે છે. ટ્રાઈકોગામા ભમરી, લીલી ઈયળ, લશ્કરી ઈયળ, કાબરી ઈયળ વગેરે જીવાતના ઈંડાની અંદર પરજીવી કરણ કરી તેને મારી નાખે છે. દાળીયા (લેડી બર્ડ બીટલ) ઢાલીયા પ્રકારના આ પરજીવી મોલો - મશી, તડતડીયાં, સફેદ માખી જેવા પોચા શરીરવાળી જીવાતોનું ભક્ષાણ કરે છે. આ ઢાલીયાની ઈયળો પોતાના જીવનકાળ દરમ્યાન ૪૦૦ થી પ૦૦ જેટલી મોલો ખાઈ શકે છે. આ ઉપરાંત લીલી પોપટી (ક્રાયસોપા) પણ ફાયદાકારણ પરભક્ષી કીટક છે. તેની ઈયળ તથા પુખ્ત બંને મોલો, તડતડીયા, થ્રીપ્સ ચીકટો વગેરે જીવાતોનું ભક્ષાણ કરે છે.

(7) કૃષિ પાકોમાં જૈવિક નિયંત્રણ કેવી રીતે કરી શકાય?

જવાબ :  

કુદરતી નિયંત્રકોની વસ્તીમાં વધારો કરીને એટલે કે પરજીવી પરભક્ષી ઓને પ્રયોગશાળામાં મોટા પાયા ઉપર ઉછેરી છોડવામાં આવે છે. આ પધ્ધતિ સામાન્ય રીતે લાંબા ગાળાના પાકોની જીવાતો જેવી કે શેરડીના ટોચ વેધકો, પાયરીયાલ નાળીયેરીના કાળા માથાવાળી ઈયળો જેવી જીવાતોના નિયંત્રણ માટે અનુકુળ રહે છે. આવા જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાઈકોગ્રામા તથા ક્રાયસોપા કૃષિ યુનિવર્સીટી તથા સહકારી એકમો ધ્વારા તૈયાર કરી ખેડૂતોને આપવામાં આવે છે વધુમાં કુદરતી નિયંત્રકોનું રક્ષાણ કરવા માટે કુદરતી નિયંત્રકોને ઓછામાં ઓછી નુકસાન કરતી હોય તેવી ભલામણ કરેલ કિટનાશક દવાઓ યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે વાપરી શકાય. જેમ કે, ઉભા પાકમાં કુદરતી નિયંત્રકો (દાળીયા / ટ્રાયકોગ્રામા) સકિ્રય હોય ત્યારે દવા છાંટવાની જરૂરીયાત ઉભી થાય તો જેવા કુદરતી નિયંત્રકો માટે પ્રમાણપમાં સલામત હોય તેવી દવાઓ છાંટવી. પાકની શરૂઆતની અવસ્થામાં દાણાદાર જંતુનાશક દવાનો ઉપયોગ કરવો.

(8) ટ્રાયકોર્ડમાં કઈ રીતે ઉપયોગી છે?

જવાબ :  

ટ્રાયકોર્ડમાં ફુગથી થતા બધાજ જમીનજન્ય અને બીજજન્ય રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ કરીને પીથીયમ, ફાયટોફથોરા, ફયુઝેરીયમ, રાયઝોકટોનીયા, મેક્રોફોમીના, સ્કેલોરોશીયમ પ્રકારની ફુગથી થતાં જમીન જન્ય રોગો તેમજ ઓલ્ટરનેરીયા, કોલેટોટ્રીકસ ફોમોપ્સીસ, મેક્રોફોમીના, ડે્રસ્લેરા, જેવી બીજજન્ય ફુગ માટે પણ ધણું જ ઉપયોગી છે.

(9) ટ્રાયકોર્ડમાં જમીનમાં કઈ રીતે આપવું?

જવાબ :  

ટ્રાયકોર્ડમાં સેન્દ્રીય ખાતરો જેવા કે પ્રેસમડ, દિવેલીનો ખોળ, અન્ય સેન્દ્રીય ખાતરો વિગેરે સાથે મિશ્ર કરી ચાસમાં થડ ફરતે રીંગ કરીને કે પૂંકીને આપી શકાય છે. પરંતુ તેને પાક વાવીએ તે પહેલા આપવું વધારે ફાયદાકારક છે. આમ કરવાથી જમીનજન્ય રોગો મોટા ભાગે આવતા અટકે છે.

(10) ટ્રાયકોર્ડમાંની બીજ માવજત કઈ રીતે આપી શકાય?

જવાબ :  

ટ્રાયકોર્ડમાં પાઉડર રૂપમાં હોય તો સીધો જ (૧૦ ગ્રા / કીલોબીજ) બીજમાં મિશ્ર કરી વાપરી શકાય છે. અથવા પાઉડરમાં થોડું પાણી મેળવીને બીજને રગદોળી દેવામાં આવે છે. આ ઉપરાંત ૧%નું ગોળનું પાણી પાઉડરમાં મિશ્ર કરી તેની સ્લરી બનાવી દાણામાં વ્યવસ્થિત ચોટી જાય તે રીતે માવજત આપી છાંયડે સૂકવી પછી બીજ વાવવ. જયારે પ્રવાહી રૂપમાં ટ્રાયકોર્ડમાં હોય તો સીધુ પ્રવાણી (૧૦ મિ.લિ. / કીલો બીજ) પ્રમાણે માવજત આપી શકાય છે.

(11) જમીનમાં નેમેટોડ હોય તો તેનુ જૈવિક નિયંત્રણ કઈ રીતે કરવું ?

જવાબ :  

જમીનમાં નેમેટોડ હોય તો તેનું જૈવિક નિયંત્રણ પસીલોમાઈસીસ નામની ફુગને સેન્દ્રીય ખાતરમાં મિશ્ર કરી (૪ કિ. - ૧૦૦ કિ.સે. ખાતર / હે.) જમીનમાં છોડ ફરતે ચાસમાં આપવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં દિવેલી ખોળ, મરધા - બતકાનું ખાતર, લીમડાનો ખોળ વિગેરે આપવાથી ફાયદો થાય છે. તે સિવાય શણ અને ગલગોટા વાવવાથી જમીનમાં કૃમિની સંખ્યા કાબુમાં આવે છે.

(12) પાકના રોગ નિયંત્રણમાં પાકની ફેરબદલીનું શું મહત્વ છે?

જવાબ :  

જયારે વરસોવરસ એક જ પાક અને એક પાકની જાત વાવવામાં આવે તો ધીરે ધીરે રોગ કારકોનું પ્રમાણ વધે છે. ધીરે ધીરે રોગ વધતા વધતાં અમુક વર્ષો થતાં ભયંકર સ્વરૂપ પકડે છે. જેથી પાક ફેરબદલી અનિવાર્ય કરી શકાય. દા.ત. ઉતર ગુજરાતમાં જીરૂનો સુકારો એટલો બધો આવે છે કે તેનું વાવેતર ખુબ જ જોખમી બન્યુ છે. ભરૂચ વિસ્તારમાં તુવેરનું વાવેતર અને સુરત - વલસાડમાં શેરડીનું વાવેતર પણ સતત એક જ પાક વવાતો હોવાથી સુકારાનો રોગ ભયંકર સકંજામાં સપડાઈ ગયેલ છે.

(13) બાયોટેક પાક એટલે શું?

જવાબ :  

બીટી જીવાણોઓમાં ઈચ્છિત જમીનને ઈજનેરીના માધ્યમ થકી અલગ તારવી જે તે પાકના રંગસુત્રમાં આવેલ જનીનીક બંધારણમાં ખાસ પધ્ધતિથી દાખલ કરવામાં આવે છે. આવા જનિનીક બંધારણમાં ફેરફાર કરેલ છોડને જીનેટિકલી મોડીફાઈડ અથવા જીનેટીકલી એન્િજનિયર્ડ અથવા બાયોટેક પાક તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં આપણે ત્યાં ખેડૂતોમાં પ્રચલિત બીટી પાક તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

(14) જૈવિક ખાતરો વાપરતી વખતે શું કાળજી રાખવી ?

જવાબ :  

જૈવિક ખાતરો બીજ માવજત તરીકે આપો તો પુરતો સમય બીજ બોળી રાખવાં ૩૦ મિનિટ બોળી રાખો તો સારો ફાયદો થાય છે ત્યારબાદ બીજને છાંયડેસૂકવી પછી વાવવાં.જમીનમાં  જૈવિક ખાતરો હંમેશા સેન્દ્રિય ખાતરો સાથે મિશ્ર કરીને આપવાનો આગ્રહ રાખવો. જૈવિક ખાતરો આપો ત્યારે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.સુકી જમીન હોય ત્યારે જૈવિક ખાતર આપવું જોઈએ નહી. આ માટે પિયત આપ્યા પછી વરાપે જૈવિક ખાતર આપવાથી વધારે ફાયદો થાય છે. જૈવિક ખાતરો સાથે કોઈપણ રસાયણ મિશ્ર કરી આપવું નહી .

(15) શાકભાજી પાકોમાં જૈવિક ખાતરો કઇ રીતે અને કેટલા પ્રમાણમાં વપરાય?

જવાબ :  

શાકભાજી પાકોમાં એઝોટોબેકટર(નાઈટ્રોજન માટે ) અને પીએસબી (ફોસ્ફરસ માટે) કલ્ચર ખાસ કરીને વપરાય છે.આ બંને જૈવિક ખાતરો બીજ માવજત (૩૦ ગ્રા./કિલો બીજ) તેમજ જમીનમાં (૪ કિ./હે.) શરૂઆતમાં આપી શકાય છે.

(16) કઠોળ પાકોમાં રાઈઝોબિયમ કલ્ચર કઇ રીતે વાપરવું ?

જવાબ :  

કઠોળ પાકમાં રાઈઝોબિયમ મોટેભાગે બીજ માવજત (૩૦ ગ્રા./કિલો બીજ) તરીકે વપરાય છે. આમ છતાં છોડ ઉગ્યા  પછી જમીનમાં સેન્દ્રિય ખાતરો સાથે મિશ્ર કરીને પણ હેકટરે ૨ કિ.ગ્રા. પ્રમાણે આપી શકાય. બીજ માવજત માટે સીધો પાઉડર મિશ્ર કરી અથવા થોડું ગોળનું પાણી (૧%) રાઈઝોબિયમકલ્ચર) મિશ્ર કરી રગડા જેવું બનાવી બીજ માવજત આપી શકાય છે.

(17) કેળ અને પપૈયા માટે જૈવિક ખાતરોણી માહિતી આપો.

જવાબ :  

કેળ અને પપૈયા પાકમાં એઝોટોબેકટર, પીએસબીજૈવિક ખાતરો ઉપયોગી છે. તે દરેક ખાતર મોટા ભાગે કેળ અને પપૈયા રોપતા પહેલાં ખાડામાં આપવામાં આવે છે.(૬ કિ.ગ્રા./હે.)