i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) જાનવરોની કઈ જાતો રાખવાથી વધુ ઉત્પાદન મળશે. ?

જવાબ :  

પશુઓમાં ગાયોમાં ગીર અને કાંકરેજ ઓલાદો સારી છે. જેમાં ગીરની ઓલાદો શુધ્ધ સ્વરૂપમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જામનગર, અને રાજકોટ જીલ્લાઓમાં જ્યારે કાંકરેજ ઓલાદના જાનવરો મહેસાણા, અમદાવાદ, સાબરકાંઠા, ખેડા,વડોદરા, ભરૂચ, અને સુરત જીલ્લાઓમાં  જોવા મળે છે. જેથી તે વિસ્તારોમાંથી તેના પશુઓ મેળવી શકાય ગીર ગાયો વેતરના કુલ ૩૦૦ થી ૩૭૫ દિવસમાં ૧૫૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપતી નોંધાયેલ છે જ્યારે કાંકરેજ ગાયો ૨૭૫ થી ૩૧૫ દિવસમાં ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર દૂધ આપે છે. પશુઓમાં ભેંસોની જાફરાબાદી, સુરતી અને મહેસાણી ઓલાદો સારી છે.જાફરાબાદી  ભેંસો એક વેતરમાં ૩૨૦ થી ૩૫૦ વેતરના દિવસોમાં સરેરાશ ૨૦૦૦ થી ૨૧૦૦ લિટર, સુરતી ભેંસો ૩૦૦ દુઝણા દિવસોમાં સરેરાશ ૧૨૦૦ થી ૧૫૦૦ લિટર અને મહેસાણી ભેંસો ૩૧૦ દુઝણા દિવસોમાં ૧૭૦૦ થી ૧૮૦૦ લિટર દૂધ આપે છે.આ ઉપરાંત બન્ની ભેંસો પણ દૈનિક ૧૨-૧૫ લિટર જેટલું સારૂ દૂધ ઉત્પાદન આપે છે. સંકર ગાયો ખાસ કરીને હોલ્સ્ટેઈન સંકર ગાયો કે જે સરેરાશ ૩૧૦ દૂઝણા દિવસોમાં ૨૫૦૦ થી ૩૦૦૦ લિટર જેટલું દૂધ આપી શકે છે તે પણ સારી ગણાય. અત્રે ખાસ યાદ રાખવુ કે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓને સારી માવજત અને પૂરતો લીલો સૂકો ઘાસચારો, સૂમિશ્રિત દાણ, મિનરલ મિક્ષ્ચર, આરામદાયક રહેઠાણ અને રોગપ્રતિકારક રસીઓ મૂકાવવી જરૂરી છે.  

(2) સંકર વાછરડી આણંદ ખેતીવાડીમાં મળે કે કેમ ?

જવાબ :  

સંકર વાછરડી આણંદ ખેતીવાડી ખાતેથી મળે કે નહિ તેની માહિતી માટે પશુ સંશોધન કેન્દ્ર(LRS), વેટરનરી કોલેજ, આકૃયુ, આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૯૦૧૧૨) ખાતે સંપર્ક સાધવો. આ ઉપરાંત ઈન્સ્ટ્રક્શનલ ફાર્મ, વેટરનરી કોલેજ, આકૃયુ, આણંદ-૩૮૮૦૦૧  ફોન : ૦૨૬૯૨ (૨૨૫૨૭૭) ખાતે સંપર્ક સાધવો

(3) દેશી ગાય ગીરનું સંવર્ધન કેવી રીતે કરી શકાય ?

જવાબ :  

દેશી ગીર ગાયના સંવર્ધન માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે કેટલ બ્રીડીંગ ફાર્મ ય્પ્જના ચાલે છે. ત્યાંથી શુધ્ધ ગીર નસલના સાંઢ મેળવી ગીર ગાયનું સંવર્ધન કરી શકાય. સરકારના પશુપાલન ખાતા તથા સહકારી દૂધ ડેરીઓ દ્વારા ચાલતા કૃત્રિમ બીજદાન કેન્દ્રો ખાતે શુધ્ધ ગીર નસલના સાંઢના વિર્યથી સંવર્ધન કરાવી શકાય છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના પશુસંશોધન કેન્દ્ર, આણંદ ખાતે પણ ગીર ગાયની જાળવણીની યોજના ચાલે છે.ગીર ગાયના સંરક્ષણ માટેની રાષ્ટ્રીય કાર્ય યોજના જુનાગઢના જામકા, કાલાવડના કૃષ્ણનગર તથા પીઠડીયા-૨, બગસરાના સમઢીયાળા તથા જાફરાબાદ ગામોમાં અમલી બને છે. આ અંગેની વધુ માહિતી માટે જીલ્લા પશુપાલન અધિકારીશ્રી, જુનાગઢ ખાતે સંપર્ક સાધવો. 

(4) પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા કયા કયા છે ?

જવાબ :  

કૃત્રિમ બીજદાન પધ્ધતિમાં ઉત્તમ ગુણવત્તાવાળા સાંઢા-પાડા કે જેની માતાનું દૂધ ખૂબજ વધારે હોય તેનું વીર્ય વાપરવામાં આવે છે. આથી તે થકી ઉત્પન્ન થતી વાછરડી-પાડી ઉંચી ગુણવતાવાળી અને વધુ દૂધ ઉત્પાદન આપતી ગાય/ભેંસ બની શકે છે. કુદરતી રીતે ફેળવવાથી જો સાંઢા/પાડા જાતીય રોગો (બ્રુસેલોસીસ) થી પીડાતા હશે તો ચેપ ગાય/ભેંસમાં પણ પ્રસરે છે જ્યારે કૃત્રિમ બીજદાન પધ્ધતિમાં આ ભય નિવારી શકાય છે. એક પાડા/સાંઢ વડે કુદરતી સમાગમથી વરસે ૧૦૦ જેટલી ગાય/ભેંસોને ફેળવી શકાય છે જ્યારે કૃત્રિમ બીજદાન પધ્ધતિથી ૨ થી ૩ હજાર ગાય/ભેંસોને એક વર્ષમાં ફેળવી શકાય છે. 

(5) કૃત્રિમ બીજદાન ક્યારે કરવું. ?

જવાબ :  

ગાય વેરતણમાં આવે તેનાં ૧૨ કલાક પછી કૃત્રિમ બીજદાન કરવું.

(6) ભેંસ વેતર/ગરમીમાં આવતી નથી તે કઈ રીતે ખબર પડે ?

જવાબ :  

જો ભેંસ ગાભણ હશે તો વેતર/ગરમીમાં આવશે નહી તથા જો ગાભણ ના હોય તો પ્રજનન તંત્રના કોઈ રોગ/બિમારી કે અંતઃસ્ત્રાવોનું અસંતુલન અને પોષકતત્વોની ઉણપ જેવા કારણોસર પણ વેતર/ગરમીમાં આવશે નહી. ભેંસ વેતર/ગરમીમાં આવતીન હોય તો તેની તપાસ નજીકના પશુ દવાખાનાના દાક્તર પાસે કરાવવી જોઈએ. 

(7) ગાભણ પશુઓની તપાસ ક્યારે કરાવવી ? પશુ (એચ.એફ.અને જર્સી ) ગાભણ કરવા માટે કયા પગલા લેવા ?

જવાબ :  
 • સામાન્ય રીતે ગાય/ભેંસ ગાભણ ન થાય ત્યાં સુધી દર ૨૦ થી ૨૧ દિવસ નિયમિતપણે વેતરે/ગરમીમાં આવે છે.  ગાભણ પશુ વેતર/ગરમીમાં આવતું નથી તે ગાભણ થવાની પ્રથમ નિશાની છે. વેતરે આવેલ ગાય/ભેંસોને કુદરતી કે કૃત્રિમ બીજદાનથી ફેળવ્યા બાદ ૪૫ થી ૬૦ દિવસ બાદ પશુચિકિત્સકશ્રી પાસે તપાસ કરાવવી જોઈએ.પશુને ગાભણ કરવા માટે વેતર/ગરમીમાં આવે છે તેવી સચોટ તપાસ રાખવી, પૂરતો સમતોલ આહાર આપવો, આરામદાયક રહેઠાણ આપવું તથા વેતરે આવ્યાના ૧૦-૧૨ કલાક બાદ ફેળવવું. 
 • પરદેશી ગાયો એચ.એફ.અને જર્સીને ગાભણ કરવા માટે કૃત્રિમ વીર્યદાન પધ્ધતિનો ઉપયોગ કરવો. આ માટે નજીકના પશુ દવાખાનાના કે કૃત્રિમ બીજદાન કેન્દ્રોના પશુ દાકતરનો ઉપયોગ કરવો.  

(8) વિયાણ વખતે શું કાળજી લેવી?

જવાબ :  
 • વિયાણ વખતે ગાય/ભેંસ ચૂકાવાનું શરૂ કરે તેના ૨ કલાકમાં મૂત્રાશય પર મોટો પરપોટો બહાર દેખાય જે ફૂટી ગયા બાદ નવજાત બચ્ચાની ખરીઓ દેખાય છે. જો પરપોટો ફૂટી ગયા બાદ લાંબા સમય સુધી ખરીઓ બહાર ન આવે તો બચ્ચુ આડુ હોવાની શક્યતા હોય તાત્કાલિક પશુ ચિકિત્સકનો સંપર્ક કરવો.   
 • વિયાણ પછી પશુઓમાં મેલી પડવી નહીં, માટી ખસી જવી, બાવલાનો સોજો, સુવારોગ, કીટોસીસ, ગર્ભાશયનો બગાડ વગેરે જેવા રોગો થવાની શક્યતા હોય છે. તેથી આવા રોગો ન થાય તે માટે નજીકમાં આવેલ પશુ દવાખાનાના પશુ દાક્તરની સલાહ લેવી.   

(9) જાનવરોમાં કઈ કઈ રસી આપવી જોઈએ અને ક્યારે ?

જવાબ :  

પશુઓને કયા રોગ માટે ક્યારે રસી મુકાવવી તેની માહિતી કોઠામાં આપી છે. 

રોગનું નામ

કયા પશુઓને મુકાવવી

કેટલા મહિનામાં મુકાવવી

ગળસૂંઢો

ગાય, ભેંસ, બળદ,પાડા, ઘેટાં   

મે/જુન (મે મહિનાના છેલ્લા અથવા જૂનના પ્રથમ અઠવાડિયામાં)ચોમાસુ શરૂ થતા પહેલા  

ખરવા-મોંવાસા

ગાય, ભેંસ, બળદ, ઘેટાં  

નવેમ્બર અને એપ્રિલ

ગાંઠીયો તાવ

ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરા

મે/જૂન ચોમાસુ શરૂ થતા પહેલા   

કાળીયો તાવ

ગાય, ભેંસ, બળદ, ઘેટાં, બકરા

ફેબ્રુઆરી/માર્ચ

ચેપી ગર્ભપાત

૬ થી ૯ માસની ઉંમરવાળી પાડીઓ અને વાછરડીઓ

૬ થી ૯ માસની ઉંમરે (જીવનમાં ફક્ત એક જ વખત)

હડકવા

દરેક પશુને જેને હડકાયુ કુતરૂ કરડેલ હોય.

હડકવાયુ કુતરૂં કરડ્યા બાદ ૦, ૩,૭,૧૪,૩૦,અને ૯૦ મા દિવસે એમ ૬ ઈન્જેકશન મૂકાવવા  

થાયલેરીયોસીસ

ખાસ કરીને પરદેશી ગાયોને

વર્ષમાં એક વખત

નોંધ : પાળેલા કૂતરા-બિલાડાને હડકવા વિરોધી રસીઓ, હડકાયુ કૂતરૂ કરડેલ ન હોય તો પણ મૂકાવવી.

(10) સામાન્ય રીતે કૃમિથી થતા રોગો સામે પશુઓનો કેવી રીતે રક્ષણ કરવું ?

જવાબ :  

કૃમિથી થતા રોગો સામે પશુઓને બચાવવા માટે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ કૃમિનાશક દવાનો ડોઝ આપવો જોઈએ. નાના બચ્ચાંઓને મહિને એક વખત એમ ૬ મહિનાનું થાય ત્યાં સુધી દર મહિને  કૃમિનાશક દવા આપવી જોઈએ. નજીકના પશુ દવાખાનાના પશુ ડૉક્ટરને મળી જે તે વિસ્તારમાં થતા કૃમિઓ આધારિત દવા આપવી જોઈએ.આ ઉપરાંત પશુ રહેઠાણને સ્વચ્છ અને સૂકુ ભેજરહિત રાખવું.ચરીયાણ ઉપર નભાવતા પશોઓને કૃમિથી બચાવવા માટે ચરિણાયમાં જંતુનાશક (કોપર સલ્ફેટ) નો છંટકાવ કરવો.    

(11) ગાયભેંસમાં કયા કયા રોગો આવે છે?

જવાબ :  

ગાય ભેંસમાં સામાન્ય રીતે આઉનો સોજો, ખરવા-મોવાસો, આફરો,સામાન્ય અપચો, ગળસૂંઢો, પરોપજીવીથી થતા રોગ, મેલી ન પડવી, ચેપી વાંઝિયાપણું, માટી ખસી જવી વગેરે રોગો જોવાં મળે છે.ઉપરાંત સુવારોગ, ચેપી ગર્ભપાત, સંકર ગાયોમાં થાઈલેરીયોસીસ, ક્ષય વગેરે રોગો પણ જોવા મળે છે.  

(12) આઉનો સોજો કેવી રીતે અટકાવી શકાય ?

જવાબ :  

(૧) આ રોગ અટકાવવા માટે પશુને દોહતા પહેલા અને દોહયાં બાદ આંચળ તથા બાવલું ચોખ્ખા પાણીથી ધોઈ ત્યારબાદ પોટેશીયમ પરમેંગેનેટના મંદ દ્વાવણથી સાફ કરવાનું  રાખવું જોઈએ.

(૨) દોહનારે પોતાના હાથ પણ આ દ્વાવણથી ધોવા જોઈએ.આંચળ-આઉ ધોયા બાદ સ્વચ્છ કપડાથી કોરા કરવા.

(૩) પશુ અને તેના રહેઠાણને સ્વચ્છ રાખવું જોઈએ.

(૪) ખરાબ દૂધ ભોંયતળીયે ન ફેંકતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. આવા પશુને છેલ્લા દોહવાનું રાખવું.

(૫) બાવલામાં કોઈ પણ પ્રકારની ઈજા થાય તો તુરતજ પશુ દાક્તર પાસે તેનો ઉપચાર કરાવવો જોઈએ.

(૬) વસુકેલા જાનવરોના આંચળમાં એન્ટિબાયોટિક દવા ચઢાવવી.

(૭) દોહન બાદ ગાય/ભેંસોને ૮-૧૦ મીનીટ ઉભી રાખવી. નીચે બેસી જાય નહી તે જોવું.

(૮) મૂઠ્ઠી પધ્ધતિથી દોહન કરવું જોઈએ. વીંટી પહેરી દોહન કરવું નહી.

(૯) મશીનથી દોહન વેળા પૂરતા દબાણે દોહન થવું જોઈએ.

(૧૦) દોહન સંપૂર્ણકરવુ જોઈએ.ટીપે ટીપૂ દૂધ દોહી કાઢવું જોઈએ. 

(13) ભેંસમાં કેલ્શિયમ ઘટવાના કારણો અને તેના ઉપાય શું છે ?

જવાબ :  
 • જે ભેંસોને એકલા ડાંગરનું પરાળ કે હાઈબ્રિડ નેપીયર જેવા ઘાસચારા પર નિભાવાતી હોય તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટે છે. આ ચારાઓમાં ''ઓક્ઝેલેટ'' તત્વ રહેલું છે જે કેલ્શિયમ સાથે બંધાઈ ''કેલ્શિયમ ઓક્ઝેલેટ'' બનાવે છે. આ કેલ્શિયમ અપાચ્ય હોઈ છાણ-પેશાબ વાટે શરીર બહાર નીકળી જાય છે પરિણામે કેલ્શિયમની  છે. વિયાણ બાદ વધુ આપતી ભેંસોને પુરેપુરૂ દોહી લઈએ તો મારફત મોટા પ્રમાણમાં કેલ્શિયમ શરીરની બહાર નીકળી જાય છે પરિણામે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે અને ભેંસ ઠંડી પડી જાય અને ઉભી થઈ શકે નહિ. તેને સુવાનો રોગ કહે છે.
 • તેના ઉપાય માટે આવા પશુનું સંપૂર્ણ ખીરૂ દોહવું નહિ. જ્યારે ભેંસ ગાભણ હોય તે વખતે છેલ્લા બે મહિના પહેલાં સારૂ કેલ્શિયમ ધરાવતો ચારો દા.ત. રજકો, સૂર્યમુખી, ચોળા, વગેરે આપવો. ઉપરાંત સારી કંપનીનું કેલ્શિયમ યુક્ત મિનરલ મિક્ષ્ચર દૈનિક ૩૦ થી ૪૦ ગ્રામ લેખે દરરોજ આપવું. વિયાણના છેલ્લા ૧૫ દિવસ વધુ પડતું કેલ્શિયમ આપવું નહી.   

(14) દૂધ દોહવાની સારી રીત?

જવાબ :  

હાથ વડે દૂધ દોહનની સારી રીત મુઠ્ઠી પધ્ધતિ વડે દૂધ દોહન કરવું તે છે.વધુ ગાય/ભેંસો ધરાવતી ડેરી ફાર્મસ પર મશીન વડે પણ દોહન કરી શકાય છે. 

(15) જાનવરને મિનરલ મિક્ષ્ચર ખવડાવવાથી શું ફાયદાઓ થાય ?

જવાબ :  

(૧) ઉછરતાં પશુઓના વૃધ્ધિ દરમાં વધારો થાય છે.

(૨) નર અને માદા જાનવરોમાં પ્રજનન ક્ષમતામાં સુધારો થાય છે.

(૩) વિયાણના ગાળામાં ઘટાડો થવાથી પશુની કુલ ઉત્પાદન ક્ષમતાં વધે છે.

(૪) પશુઓની ખોરાક વપરાશની ક્ષમતા વધે છે.

(૫) દૂધ ઉત્પાદન વધુ મળે છે.

(૬) પશુઓની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે તેથી સ્વાસ્થ્ય સુધરે છે.

(૭) ચામડીના રોગો થતા અટકે છે.  

(16) દાણનું પ્રમાણ ખોરાકમાં કેટલું આપવું ?

જવાબ :  

ગાય/ભેંસને તેના નિભાવ માટે શરીરના કદ પ્રમાણે ૧-૨ કિલોગ્રામ સમતોલ દાણ આપવું જોઈએ. ગાયને પ્રતિ કિગ્રા દૂધ દીઠ ૪૦૦ ગ્રામ અને ભેંસને પ્રતિ કિગ્રા દૂધ દીઠ ૫૦૦ ગ્રામ વધારાનું દાણ આપવું જોઈએ.

(17) જાનવરોને આફરો ચઢે તો પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ ?

જવાબ :  

(૧) ગાય/ભેંસ કે બળદમાં આફરો થાય ત્યારે પુખ્ત વયના પશુમાં ૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૨૫ ગ્રામ હિંગ પાઉડર, ૫૦ ગ્રામ સંચર પાવડર તથા ૫૦ ગ્રામ અજમા પાઉડર અને ૫૦ ગ્રામ સૂંઠ મિશ્ર કરી પીવડાવવાથી રાહત થાય છે.

(૨) ૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૫૦ ગ્રામ ટરપેન્ટાઈન તેલ ભેળવી નાળ વાંટે પીવડાવવું

(૩) ૫૦૦ ગ્રામ ખાવાના તેલમાં ૨૫ ગ્રામ દળેલી હીંગ નાખી ભેળવી પીવરાવવું.

     ઉપરોક્ત ત્રણ પૈકી કોઈ એકનો જ અમલ કરવો. 

(18) પંચગવ્ય બનાવવાની પધ્ધતિ તથા તેનો ઉપયોગ જણાવો.

જવાબ :  

પંચગવ્ય ગાયના દૂધ,દહીં,ઘી, ગૌમૂત્ર, અને ગોબરમાંથી બનાવવામાં આવે છે. અહીંયા બે ફોર્મ્યુલા આપવામાં આવી છે. કોઈ પણ ફોર્મ્યુલાથી પંચગવ્ય બનાવી શકાય છે. 

ફોર્મ્યુલા -૧

ફોર્મ્યુલા- ૨

એક ભાગ ઘી

પાંચ ચમચી ગૌમૂત્ર(કપડાથી ગાળેલું)

એક ભાગ ગૌમૂત્ર

એક ચમચી ગોબર(કપડામાં ગાળેલું)

બે ભાગ દહીં

બે ચમચી ગાયનું દૂધ

ત્રણ ભાગ દૂધ

એક ચમચી ગાયનું દહીં

અડધો ભાગ ગોબર

એક ચમચી ગાયનું ઘી ૨ ચમચી મધ

 • આ બધી વસ્તુ ચાંદી અથવા કાચના કટોરામાં મિશ્ર કરવું. સવારના મોં સાફ કરી થોડૂં પાણી પીધી પછી પંચગવ્ય ધીરે ધીરે પીવું જોઈએ.પંચગવ્ય લેતા પહેલા એક અઠવાડીયું ત્રિફળા અથવા ગૌમૂત્ર અથવા ઘી દૂધ લઈ પેટ સાફ કરી લેવું.તો વધુ સારૂ પરિણામ મળશે.
 • પંચગવ્ય ઘણા રોગોને મટાડે છે અને જેને કોઈ તકલીફ નથી તેને કોઈ રોગ થતો નથી અને મનુષ્ય તેજસ્વી બને છે. પંચગવ્ય સર્વરોગહર ટોનિક કહેવાય છે.  

(19) પશુપાલન કરવા કોઈ વિમા યોજના છે ખરી ?

જવાબ :  
 • પશુપાલન માટેની વિમા યોજના છે. સહકારી દૂધ મંડળી મારફતે મંડળીના સભાસદોના જ પણ પશુઓનો વિમો ઉતારવામાં આવે છે. આ અંગે આપની નજીકની દૂધ સહકારી મંડળી અથવા જીલ્લાના પશુપાલન અધિકારીશ્રીનો સંપર્ક સાધવો.  

(20) દૂધ વધારવા માટે શુ કરવું?

જવાબ :  

(૧) સારી નસલ કે જે વધુ દૂધ ઉત્પાદન આપતી હોય તેવા પશુઓ રાખવા. ઉદા. મુરાહ ભેંસ, સંકર ગાય વગેરે. 

(૨) મિનરલ મિક્ષ્ચરનો ઉપયોગ કરવો.

(૩) અમૂલ દાણ અથવા કોઈપણ ડેરીનું સુમિશ્રિત દાણ આપવું.

(૪) રસીકરણ નિયમિત કરાવવું.

(૫) દરરોજ ૪ થી ૫ વખત થઈ કુલ ૬૦-૭૦ લિટર પાણી પીવડાવવું. ઉનાળામાં ૧૦૦ લિટર પાણી દરરોજ પાવું.

(૬) દૈનિક ૧૫-૨૦ કિલો મિશ્ર લીલો ચારો (૯-૧૨ કિલો મકાઈ/જુવાર/ઓટ તથા ૬-૮ કિલો

     રજકો/ચોળા/બરસીમ) ખવડાવવો.

(૭) દરરોજ ૫-૬ કિલો જેટલો સારી ક્વોલિટીનો સૂકો ચારો નીરવો. ઉદા.સૂકો રજકો,જુવાર બાટુ વગેરે..

(૮) આરામદાયક રહેઠાણ પૂરૂ પાડવું.

(૯) વેતરે આવેલા પશુને ઓળખી સમયસર બંધાવતા જીવનકાળ દરમ્યાનનું દૂધ ઉત્પાદન વધે છે. બે વિયાણ વચ્ચેનો ગાળો ૧૪ માસ રહે તે અગત્યનું છે. 

(21) સ્વચ્છ દૂધ ઉત્પાદન મેળવવા માટે શુ કરવું ?

જવાબ :  

(૧) ગમાણ સ્વચ્છ રાખવી. પુરતો હવાઉજાસ હોવો જોઈએ.

(૨) પશુને સમયસર રસી મુકાવવી અને તંદુરસ્તી જાળવવી

(૩) પશુઓને દોહ્યા પહેલા નવડાવવા તથા આંચળ પોટેશિયમ પરમેંગેનેટના મંદ દ્રાવણ વડે સાફ કરવા.

(૪) દૂધના વાસણોની સફાઈ અંગે કાળજી લેવી. સ્ટેઈનલેસ સ્ટીલના સાંકડા મોઢાંવાળા વાસણ વાપરવા.

(૫) દૂધ દોહનાર વ્યક્તિની સફાઈ અને તંદુરસ્તી તથા સ્વચ્છતાની સારી ટેવો પાડવી.

(૬) દૂધમાં વાસ આવે તેવો ખોરાક પશુને ન ખવડાવવો.

(૭) પશુઓને જંતુનાશક દવા છાંટેલ ઘાસ ન આપવું.

(૮) દોહન પહેલા કે દોહન વેળા સૂકો ચારો નીરવો નહી.

(૯) દોહન વેળા સાવરણાથી સફાઈ કરવી નહી. 

(22) સાયલેજ બનાવવાની રીત શું છે ?

જવાબ :  

સાયલેજ બનાવવા માટે જરૂરિયાત મુજબ તથા લીલા ચારાની ઉપલબ્ધતાના પ્રમાણમાં જમીનમાં ખાડો કરવો જોઈએ. સાયલેજ બનાવવા માટે ખાડો પાકો હોય તે જરૂરી નથી પણ પાકા ખાડામાં સાયલેજ બનાવવાથી સાયલેજનો બગાડ તદ્દન ઓછો થાય છે. સાયલેજ બનાવવા માટે ચાર પ્રકારનાં સાયલોનો ઉપયોગ થાય છે.તેની વિગત માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી પશુપોષણ વિભાગ, વેટરનરીકોલેજ, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦ (ફોન:૦૨૬૯૨–૨૬૩૪૪૦)નો સંપર્ક સાધવો.   

(23) આફરો કયારે થાય છે? તેનાં લક્ષાણો શું છે? ધરગથ્થુ ઉપચાર શું કરી શકાય?

જવાબ :  

તાજો રજકો કે કઠોડ વર્ગમાં લીલો ચારો વધુ ખાવાથી આફરો થાય. તેના લક્ષાણો તેના પેટમાં ગેસનો ભરાવો, પેટનું ડાબુ પડખું ફુલી જાય અને ખખડાવતા ઢોલ જેવો અવાજ થાય. તેના ધરગથ્થુ ઉપચાર તરીકે પ૦૦ ગ્રામ ખાવાનું તેલ લેવું, તેમાં રપ ગ્રામ હીંગ, પ૦ ગ્રામ અજમો, પ૦ ગ્રામ સંચળ અને પ૦ ગ્રામ સૂંઢ - આ બધાનો પાઉડર પ૦૦ ગ્રામ તેલમાં નાળ વાટે લઈ પીવડાવી દેવું ત્યારબાદ પશુને થોડું ચલાવવું. આ ડોઝ પુખ્ત વયના ઢોર માટે છે. નાના પશુઓમાં વિવેકપૂર્ણ ડોઝ આપવો.

(24) ઢોર / ગાય ભેસોને આફરો ચડયો હોય ત્યારે શું સારવાર આપવી?

જવાબ :  

જો ગાય - ભેસને આફરો ચડયો હોય તો સૌ પ્રથમ તેમને ધરગથ્થુ ઉપાય તરીકે પ૦૦ ગ્રામ ખાવાનું તેલ પીવડાવવંુ જોઈએ અને શકય હોય તો ર૦ - રપ મિ.લિ. ટર્પેન્ટાઈન તેલ ઉમેરી ઢોરને આફરામાં રાહત થાય છે.

(25) ગાયો-ભેસોને કયા કયા રોગ સામે રસી મુકાવવી જોઈએ.

જવાબ :  

ગાયો - ભેસોને ખરવા - મોવાસાની રસી ઓકટોબર અને એપિ્રલ માસમાં મુકાવવી તથા ગળસુંઢા અને ગાંઠીયા તાવની રસી મે માસના અંતમાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં મુકાવવી જોઈએ.

(26) વિયાણ બાદ દુધાળ પશુને કયારે ફેળવવું તથા સગર્ભ બનેલ પશુને કયારે દોહવાનું બંધ કરવું જોઈએ?

જવાબ :  

દૂધાળ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરીક્ષાણ કરી તેમજ ૩ - ૪ માસના આરામ બાદ સંવર્ધન કરવું. ગાભણ ઢોરને (અગ્રવતી સગર્ભ ગાયો - ભેસોને ) ૭-૮ માસનો ગર્ભ (વિયાણના ર-૩માસ પહેલા) વસુકાવો જેથી બચ્ચનો પૂર્ણ વિકાસ થાય અને પછીના વેતરમાં દૂધ ઉત્પાદન જળવાઈ રહે.

(27) ગાય-ભેસ ગરમીમાં આવે પછી બીજદાન કયારે કરાવવું તથા બંધાઈ ગયા પછી કયારે ગર્ભ નિદાન કરાવવું?

જવાબ :  

ગાય-ભેસ ગરમીના લક્ષાણો બતાવવાનું શરૂ કરે ત્યાર પછી ૧૦ કલાક બાદ બીજદાન કરાવવું હિતાવહ છે જેથી સગર્ભ થવાની શકયતાઓ વધે છે તથા બીજદાનની તારીખ બે થી અઢી માસ બાદ ગર્ભ નિદાન કરાવી શકાય.

(28) ગાયો - ભેસોમાં નિયમિત અને વહેલું વિયાણ મેળવવા શું કરવું જોઈએ?

જવાબ :  
 • દુધાળુ પશુ વિયાણના ૧.પ થી ર માસ બાદ ગરમી / વેતરમાં આવતા થાય છે ત્યારથી ગરમીના લક્ષાણો માટે દૈનિક બે વખત પશુનું નિરિક્ષાણ કરો તેમજ સંવર્ધન કરાવો. વિયાણ અને ગરમી / વેતરની તારીખોની નોંધ રાખો
 •  વિયાણના પ-૬ માસના સમય સુધીમાં તે સગર્ભ બને તથા ૧૪ - ૧૬ માસના અંતરે નિયમિત વિયાણ થતાં જીવનકાળ દરમ્યાન વધુમાં વધુ બચ્ચા અને દૂધ ઉત્પાદન મેળવી શકાય.

(29) પશુમ જખમ થયે જીવડા પડે છે તો શું ધરગથ્થ ઉપચાર કરી શકાય?

જવાબ :  

જખમ થયે થોડા દિવસ વિતી ગયા હોય અને બેદરકારી રાખી હોય તો ધામા જીવડા પડી જાય છે, ઉપચારમાં પોટેશ્યમ પરમેંગનેટના દ્રાવણથી જે તે ભાગ સાફ કર્યા બાદ ટર્પેન્ટાઈનના તેલનું પૂંમડું થોડીવાર રાખી મુકવું. જેથી જીવડા બહાર આવશે. ચીપીયાથી જીવડા ધીરે ધીરે કાઢી લઈ જખમ સાફ કરવો પછી જીવાણુંનાશક દવાનો મલમ લગાવી લઈ પાટો બાંધવો અને દરરોજ ડે્રસીંગ કરવું.

(30) બાયોગેસ પ્લાન્ટ કોણ બનાવી આપે છે?

જવાબ :  

બાયોગેસ પ્લાનટ ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, ખાદી, ગ્રામોધોગ આયોગ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ અને જી.એસ.એફ.સી. વગેરે બનાવી આપે છે.