i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) લસણના વાવેતર માટે કઈ કઈ જાતો બહાર પડેલી છે?

જવાબ :  

લસણના વાવેતર માટે ગુ. લસણ-૧, ગુ.લસણ-ર, ગુ.લસણ-૩, મુ. લસણ-૧૦ ઉપરાંત એગ્રી ફાઉન્ડ સફેદ, યમુના સફેદ -૧, યમુના સફેદ-ર તથા યમુના સફેદ-૩ જેવી જાતો બહાર પડેલી છે.

(2) લસણનું વાવેતર કયારે અને કેવી રીતે કરવામાં આવે છે?

જવાબ :  

લસણનું વાવેતર ઓકટોબર સુધીનો સમય વાવેતર કરવા માટે વધુ અનુકુળ આવે છે. લસણની વાવણી તેના વાવણીના અંતર ઉપર આધાર રાખે છે. થાણીને વાવણી કરવી હોય તો બે હાર વચ્ચે ૧પ સે.સી. અને હારમાં બે કળીઓ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખવું. હાથથી છાંટીને પણ વાવણી કરી શકાય છે. આ ઉપરાંત વાવણિયાથી ૧પ સે.મી.ના અંતરે ઓરીને પણ વાવણી કરી શકાય છે.

(3) દક્ષિાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણની ખેતીમાં કેટલાં પાણી કયારે કયારે આપવાની ભલામણ છે તેની માહિતી આપશો.

જવાબ :  

દક્ષિાણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લસણના પાકને ૧૪ પિયત આપવાની ભલામણ છે. પ્રથમ પિયત વાવેતર બાદ તુરત આપવું, બીજુ અને ત્રીજુ પિયત પ દિવસના અંતરે આપવું. ચોથાથી અગિયાર સુધીના પિયત ૭ થી ૮ દિવસના અંતરે આપવા. બાકીના પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે આપતા રહેવાની ભલામણ છે.

(4) લસણના ઉભા પાકમાં કળીઓ ઉગી જવાનું કારણ શું?

જવાબ :  

લસણના પાકમાં વધારે પડતાં પિયત આપવાથી અને વધુ પડતાં નાઈટ્રોજનયુકત ખાતરોનો ઉપયોગ કરવાથી કળીઓ ઉગી જાય છે તથા લસણમાં ગાંઠીયા બંધાય ત્યારે પછી બે પિયત વચ્ચેનો ગાળો લંબાવવો તથા ભલામણ મુજબ અને ભલામણ કરેલ સમયે જ નાઈટ્રોજન યુકત ખાતરો આપવા એટલે લસણના પાકને વાવણી સમયે પાના ખાતર તરીકે રપ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વના રૂપમાં અને વાવેતર બાદ ૩૦ દિવસે પૂર્તિ ખાતર તરીકે રપ કિ.ગ્રા. નાઈટ્રોજન તત્વના રૂપમાં આપવા.

(5) લસણની કાપણી કરવાની વૈજ્ઞાનિક પધ્ધતિ શું છે?

જવાબ :  

લસણનો પાક ૧૩૦ થી ૧૩પ દિવસે તૈયાર થાય છે. છોડની ટોચનો ભાગ સુકાઈ બદામી રંગનો થાય અને જમીન તરફ ઢળે ત્યારે લસણના ગાંઠિયા કાપણી માટે તૈયાર થાય છે. એમ માનવું. કાપણી વખતે ગાંઠિયા / કંદને ઈજા ન પહોંચે તે રીતે રાંપ ચલાવી લસણ ઉપાડવું.

(6) લસણમાં આવતા ભુકી છારા રોગના લક્ષાણો અને તેના નિયંત્રણ માટેના પગલા જણાવો.

જવાબ :  

આ રોગ પ્રમાણમાં ઓછો જોવા મળે છે. ભેજવાળા વાતાવરણમાં જુના પાન ઉપર સફેદ રંગના ટપકા જોવા મળે છે. રોગ લાગેલ ભાગથી પાન નમીને સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે કર્બેન્ડીઝામ ૦.૦પ ટકા ૧૦ લિ. પાણીમાં ૧૦ ગ્રામ પ્રમાણે રોગ દેખાય કે તુરત છંટકાવ કરવો અથવા ડીનોકેપ ૪૮ ઈસી પ મિ.લિ. અથવા હેફઝાકોનાઝોલ પ% ૧૦ મિ.લિ. દવા ૧૦ લિ. પાણીમાં ઓંગાળી છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાની રોગનું નિયંત્રણ કરી શકાય છે.

(7) લસણની કાપણી પછી તેને કેવી રીતે સુકવવું જોઈએ?

જવાબ :  

લસણની કાપણી પછી નાની જુડીઓ બનાવી સીધી હારમાં ર દિવસ રાખી પછી છાંયડાવાળી જગ્યાએ મુકવી. ત્યારબાદ લસણના ગાંઠીયા ઢંકાઈ જાય તે રીતે ફરતે માટીના થર ચઢાવવા ર૦ થી ૩૦ દિવસ બાદ ગાંઠિયા / કંદથી ર.પ ૩ સે.મી. ડીંટાનો ભાગ રહેવા દઈ પાનની ઉપરનો ભાગ કાપી નાંખવો અને તંતુમુળ પણ દુર કરવામાં આવે છે.

(8) સુકા લસણની સંગ્રહ શકિત વધારવા શું કરવું જોઈએ? ડુંગળીની જેમ લસણનો પાઉડર બનાવી શકાય છે. પાઉડર બનાવવા કળીઓનું શું કરવું જોઈએ?

જવાબ :  

લસણના ગાંઠિયાની સંગ્રહશકિત વધારવા માટે કાપણી અગાઉ ૧પ દિવસ પહેલા મેલિક હાઈડ્રાઈઝાઈડ ૧પ૦૦ પીપીએમ (૧પ ગ્રામ ૧૦ લીટર પાણીમાં) પ્રમાણે છંટકાવ કરવાની જરૂર પડે છે. લસણનો ડુંગળીની જેમ પાઉડર પણ બનાવી શકાય છે. લસણનો પાઉડર બનાવવા માટે જરૂરી વિવિધ પ્રકિ્રયાઓમાં લસણના ગાંઠિયા ભાગી કળીઓ છૂટી પાડવી, કળીઓ ઉપરનું સફેદ પડ દૂર કરવું, પછી કળીઓની સુકવણી કરી ત્યારબાદ પાઉડર બનાવવાના ઉપયોગમાં લઈ શકાય છે.

(9) ચોમાસામાં ડુંગળીની કઈ જાતનું વાવેતર કરવું?

જવાબ :  

ચોમાસામાં ડુંગળીની એગ્રી ફાઉન્ડ ડાર્કરેડ અથવા એન-પ૩ જાતનું વાવેતર કરવું.

(10) ડુંગળીને કેવી જમીન માફક આવે છે? તેની સુધારેલી જાતો કઈ કઈ છે?

જવાબ :  

ડુંગળીને ગોરાડું બેસર કે મધ્યમ કાળી જમીન માફક આવે છે. ડુંગળીના મુળ છીછરાં હોવાથી ઉંડી ખેડની જરૂર નથી. પરંતુ જમીન તૈયાર કરતી વખતે હેકટરે ર૦ ટન છાણીયું ખાતર આપવાની ભલામણ છે. ડુંગળીમાં ગુજરાત સફેદ ડુંગળી-૧, જૂનાગઢ લોકલ લીલીપત્તી, તળાજી લોકલ, પુસા વ્હાઈટ, ફલેટ-૧૩૧ એગ્રોફાઉન્ડ લાઈટ રેડ જેવી જાતો શોધાયેલ છે.

(11) ડુંગળીની ખેતી માટેનો વાવણી સમય, બીની માવજત અને બીજના પ્રમાણ અંગેની માહિતી આપશો?

જવાબ :  

ડુંગળીની ખેતીનો વાવણી સમય સપ્ટેમ્બર / ઓકટોબર માસ છે. બીને થાયરમ ર ગ્રામ દવા પ્રતિ કિલો બીજ દીઠ માવજત આપવી. એક હેકટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિ.ગ્રા. બિયારણ જરૂર પડે છે.

(12) ડુંગળીમાં આવતી થ્રીપ્સ જીવાતનું નુકસાન કેવી રીતે અટકાવવું?

જવાબ :  

આ જીવાતના પુખ્ત કીટર તથા બચ્ચા પોતાના મોં વડે પાન ઉપર ધસરકા પાડી પાનમાંથી રસ ચુસે છે. રસ ચૂસેલો ભાગ સફેદ થઈ જાય છે. વધારે ઉપદ્રવ હોય તો પાન કોકડાય જાય છે. આ જિવાતના નિયંત્રણ માટે ડામીથોએટ ૩૦ ઈસી. ૦.૦૩ ટકા ૧૦ લિ.માં ૧૦ મિ.લિ.. પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ મેળવી શકાય છે.

(13) ડુંગળીનો સંગ્રહ કરવાની કઈ કઈ પધ્ધતિઓ છે? તેમાં કઈ પધ્ધતિ વધુ સારી છે?

જવાબ :  

ડુંગળીને થાંભલા પર લટકાવીને, સીંક પધ્ધતિથી અથવા મેડા પધ્ધતિથી લાંબા ગાળા માટે તેમજ વધુ જથ્થામાં સંગ્રહ માટે અનુકુળ છે જયારે મોટા જથ્થામાં સંગ્રહ કરવા માટે 'મેડા' પધ્ધતિ અસરકાર અને ઉપયોગી છે.

(14) ડુંગળી લસણની સંગ્રહ શકિત વધારવા માટે કયા અને કેટલા પ્રમાણમાં કેમીકલ છાંટવા?

જવાબ :  

ડુંગળીના પાકની કાપણી પહેલા ૧પ દિવસે મેલિકહાઈડ્રેઝાઈડનો પ૦૦ મી.ગ્રા / લીટર દ્રાવણનો અને લસણના પાકની કાપણી પહેલા ૧પ દિવે મેલિકહાઈડ્રેઝાઈડનો ૧પ૦૦ મિ.ગ્રા. / લીટરના દ્રાવણનો પાક પર છંટકાવ કરવાથી લસણ અને ડુંગળીની સંગ્રહ શકિતમાં વધારો થાય છે.