i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) શેરડીની રોપણી કયારે કરવી જોઈએ?

જવાબ :  

ઓકટોબર મધ્યથી ફેબ્રુઆરી મધ્ય સુધીમાં રોપણી કરવી.

(2) શેરડીની જાતોની પસંદગી કરવી?

જવાબ :  

વધુ  ઉત્પાદન  સાથે   વધુ  રીકવરી   આપતી  જે  તે  વિસ્તારને  અનુકૂળ  કૃષિ યુનિવરસિટી દ્રારા  ભલામણ થયેલ સુધારેલ, રોગ-જીવાત સામે ટકી  રહેવાની  શકિત  ધરાવતી, સારો  લામ પાક  આપી  શકે તેવી, ખેતરમાં લાંબા સમય  માટે ટકી  રહે  તેવી  અને   રોપણીના સમય અને કાપણીના સમયને અનુરૂપ જાતો પસંદ કરી રોપવી જોઈએ. વહેલી વાવણી માટે કો ૮૩૩૮, કો એન ૯પ૧૩ર,  કો.એન. ૦પ૦૭૧, (ગુજરાત સુગરકેન -પ), કો.એન. ૦૭૦૭ર (ગુજરાત સુગરકેન -૮), કો ૯૪૦૦૮ તેમજ બિયારણ અને પત્રકની સારી માવજત કરી શકે તેવા ખેડૂતો  કો.સી. ૬૭૧ અને કો. ૮૬૦૩ર પસંદ કરવી. જયારે મધ્યમ મોડી વાવણી કરવી માટે કો.એન. ૯૧૧૩ર, કો.એલ. કે.  ૮૦૦૧, કો.એન. ૮પ૧૩૪, કો.એન. ૦પ૦૭ર (ગુજરાત  સુગરકેન -૬) , જી. એન.એસ.- ૭, કો.એમ. ૦ર૬પ અને કો ૯૯૦૦૪ પસંદ કરવી.

(3) શેરડીની રોપણી માટે બિયારણ દર કેટલો કરવો?

જવાબ :  

બિયારણ માટે રોગ-જીવાત મુકત ૮ થી ૧૦ માસની કૂમળી શેરડી પસંદ કરવી. કૂમળી શેરડી ન મળે  તો શેરડીનાં સાંઠાનો ઉપરનો ર/૩ ભાગજ બિયારણ માટે પસંદ કરવો.  બિયારણ  અન્ય  જગ્યાએ  વાહતુકમાં  લાવવાનું  હોય  ત્યારે  પતારી  સાથે લાવવું જેથી  શેરડીની આંખને નુકસાન થાય નહીં. રોપણી માટે ર કે ૩ આંખના ટૂકડા કોયતા વડે નીચે લાકડુ રાખી કરવા તેમજ આ દરમ્યાન રોગ-જીવાત વાળા(પોલા,લાલ,કાણાં વાળા) ટૂકડા વીણી દૂર કરવા. પ્રતિ હેકટરે  પ૦,૦૦૦ બે આંખવાળા ટૂકડા રોપાણ પાક માંથી બીજ પસંદ કરી ઉપયોગમાં લેવા.

(4) શેરડીની રોપણી કઈ પધ્ધતિથી કરવી જોઈએ?

જવાબ :  

ભારે કાળી જમીનમાં સૂકી રોપણી જયારે ગોરાડુ જમીનમાં ભીની પધ્ધતિની રોપણી કરવી. સામાન્ય રીતે છેડા-છેડની પધ્ધતિથી રોપણી કરી ખેતી ખર્ચ ઘટાડવો

(5) શેરડીની રોપણી કેટલા અંતરે કરવી?

જવાબ :  

શેરડીની રોપણી ૬૦ સે.મી.નાં અંતરે જોડકા હારમાં બે જોડકા વચ્ચે ૧ર૦ સેમી.અંતર રાખી કરવી. સામાન્ય વાવેતર ૯૦ થી ૧૦૦ સે.મી. બે હાર વચ્ચે અંતર રાખી રોપણી કરવી.

(6) જોડીયા ચાસ પદ્ધતિના ફાયદા

જવાબ :  
 • બે જોડીયા  ચાસ  વચ્ચે  વધુ અંતર  હોવાથી  શેરડીના  પાકને  પૂરતો  સૂર્ય  પ્રકાશ મળવાથી  શેરડીનો વિકાસ સારો થાય છે.
 • શરૂઆતમાં  શેરડીનો  વિકાસ  ઓછો હોય અને જોડીયા હાર વચ્ચે વધુ  જગ્યા  મળતી  હોય  આંતર પાક સારી રીતે લઈ શકાય છે.
 • ટપક સિંચાઈ પધ્ધતિજો અપનાવવામાં આવે તો ટપક   સિંચાઈ પધ્ધતિ  ફીટ  કરવાનો ૪૦ 
 • ટકા ખર્ચ દ્યટે છે.
 • આંતર પાક કરવાથી તેમજ બે જોડીયા હાર વચ્ચે વધુ જગ્યા હોવાથી સરળતાથી આંતર ખેડ
 • થતી હોવાથી નિંદણ ઓછા થાય છે.
 • પાછલી  માવજતો જેવીકે પતારી  ઉતારવી, પિયત આપવું ,ખાતર આપવું વગેરે  સુગમતાથી થઈ શકે છે.

(7) શેરડીની રોપણી પહેલા બીજને કઈ માવજત આપી રોપણી કરવી?

જવાબ :  

પ્રતિ હેકટરે રપ૦ લીટર પાણીમાં પારાયુકત દવા (ર ગ્રામ/લી.) અથવા કાર્બેન્ડાઝીમ(૧ ગ્રામ/લી.) અને મેલાથીઓન (ર મીલી/લી.) અથવા ડાયામીથોએટ (૧ મીલી/લી.) નાં દ્રાવણમાં ટૂકડાને પ મીનીટ બોળીને રોપવા. બીજ પ્લોટને માવજત ખૂબ જરૂરી છે.જેથી શેરડીમાં આવતા બીજજન્ય રોગોને પાકમાં આવતા અટકાવી શકાય.

આ ઉપરાંત એસીટોબેકટર  કલ્ચર ર લીટર પ્રતિ હેકટરે જમીન માં રોપણી પહેલા આપવુ.

(8) શેરડીના પાકમાં સંકલિત ખાતર વ્યવસ્થા માટે શું કરવું જોઈએ?

જવાબ :  

શેરડીની ખેતીમાં સેન્દ્રીય ખાતરોનું મહત્વ ખૂબ જ છે. આ માટે લીલો પડવાશ સારો વિકલ્પ છે. અથવા હેકટરે રપ ટન છાણિયું ખાતર, ૧૧ ટન જુનો પ્રેસમડ અથવા બાયોકંમ્પોસ્ટ અથવા ૬રપ કિલો દીવેલી ખોળ આપવો જરૂરી બને છે પછી ૩૦ અને ૬૦ દિવસે દરેક વખતે ર કિ.ગ્રા./હે. એઝેટોબેકટર ૧૦૦ કિ.ગ્રા./હે. છાણિયા ખાતર સાથે મિશ્ર કરી ચાસમાં આપવું જેથી રપ ટકા જેટલા નાઈટ્રોજન ખાતરનો બચાવ કરી શકાય. સામાન્ય પરિસ્થિતિમાં રોપાણ પાકને  રપ૦-૧રપ-૧રપ કિ./હે.ના.ફો.અને પો. આપવું. ફોસ્ફરસ અને પોટેશ્યમ પાયામાં રોપણી સમયે નીકમાં આપવું. જયારે નાઈટ્રોજન ખાતર ચાર હપ્તામાં ( ૧પ, ૩૦, ર૦ અને ૩પ ટકા) અનુક્રમે રોપણી સમયે, રોપણી બાદ ૪પ થી ૬૦ દિવસે, ૯૦ થી ૧ર૦ દિવસે અને છેવટના ભારે કદના પાળા ચઢાવે ત્યારે આપવું. નાઈટ્રોજન ખાતરનો બીજો અને ત્રીજો હપ્તો ચાસની બાજુમાં ઓરીને આપવો. પ્રથમ લામ પાકને ૩૦૦-૬ર.પ. પ-૧રપ કિ/હે.ના. ફો. અને પો. આપવો, જેમાં ફોસ્ફરસ અને પોટેશ્યમ પ્રથમ ખેડ સમયે જયારે નાઈટ્રોજન  ત્રણ હપ્તામાં (રપ, પ૦, રપ ટકા) અનુક્રમે ખેડ સમયે, બીજા હપ્તો ૬૦ થી ૭૦ દિવસે અને ત્રીજો હપ્તો ૧૩૦ થી ૧૪૦ દિવસે આપવા.

(9) શેરડીના પાકમાં કયારે પાળા ચઢાવવાથી વધુ ફાયદો જોવા મળે ?

જવાબ :  

શેરડીની રોપણી પછી ત્રીજા મહિને હલકાં કદનાં પાળા ચઢાવવા અને પાંચમાં મહિને ભારે કદનાં પાળા ચઢાવવા. છેવટનાં પાળા ચઢાવતા પહેલા રાસાયણિક ખાતરનો જથ્થો પુરો કરવો.

(10) શેરડીમાં ટપક પધ્ધતિ અપનાવવી હોય તો કઈ રીતે બેસાડવી જોઈએ? તેમનાથી શું ફાયદો થાય?

જવાબ :  

શેરડીમાં ટપક પિયત પધ્ધતિ અપનાવતા ખેડૂતોએ શેરડીનું જોડીયા હારમાં વાવેતર કરી (૬૦-૧ર૦-૬૦ સે.મી.) એક લેટરલથી બે હારમાં પિયત કરવું. આમ કરવા માટે લેટરલ બે હાર વચ્ચે મુકવી. આમ કરવાથી ટપક પધ્ધતિના ખર્ચમાં ૪૦ ટકા ઘટાડા સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ટપક પધ્ધતિ સાથે દ્રાવ્ય અથવા પ્રવાહી ખાતરો પસંદ કરી રોપણી બાદ એક મહિનાના અંતરે પાંચ સરખા હપ્તામાં દરેક હપ્તે ૩૦-૧ર.પ-૧ર.પ ના.ફો.પો.કિ.ગ્રા./હે. આપવું. જેથી ૪૦ થી પ૦ ટકા ખાતરનો બચાવ કરી શકાય છે.

ટપક પિયત પધ્ધતિની વિગત

                ટપકણીયાની ક્ષામતા          :       ૪.૦ લીટર/ કલાક

               ટપકણીયા વચ્ચેનું અંતર       :       પ૦ સે.મી.

પિયત સમય પત્રક

                શિયાળામાં ૪પ મીનીટ તથા ઉનાળામાં ૯૦ મીનીટ ટપક પધ્ધતિને એકાન્તરા દિવસે ચલાવવા ભલામણ છે.

(11) શેરડીમાં નિતારની વ્યવસ્થા માટે શું કરવું જોઈએ?

જવાબ :  

ખેતરની ફરતે વરસાદ તેમજ વધારાના પાણીના નિકાલ માટે એક મીટર ઉંચાઈની નિતાર નીકો બનાવવી. જેથી વધારાના પાણીનો નિકાલ થવાથી શેરડીના ઉત્પાદનમાં ૩૦ થી ૩પ ટકાનો વધારો  થાય છે.

(12) શેરડીના પાકમાં નિંદણ નિયત્રણ માટે શું પગલા લેવા ?

જવાબ :  

શેરડીનુ સ્ફુરણ અને શરૂઆતના તબક્કાની વૃધ્ધિ ધીમી હોવાથી પાકને પ્રથમ ૩૦  થી ૧ર૦ દિવસના ગાળા માટે નિંદણમુકત રાખવો ખૂબ જ જરૂરી છે. આ માટે ત્રણ હાથ નિંદામણ (૩૦, ૬૦, અને ૯૦ દિવસે) અને બે આંતર ખેડ (૪પ અને ૯૦ દિવસે) કરવી. અથવા એટ્રાઝીન ર.૦ કિ.ગ્રા. સ.ત./હે.પિ્ર-ઈમરજન્સ છાંટવું અને ર-૪-ડી સોડીયમ સોલ્ટ ૧.૦ કિ.ગ્રા.સ.ત./હે. રોપણી પછી ૮ થી ૧૦ અઠવાડિયે છાંટવું. ઉપરોકત નિંદણનાશક દવાઓ ૬૦૦ લી./હે. પાણીમાં મિશ્ર કરી આપવી.

(13) શેરડીની કાપણી રોપણી બાદ કયારે કરવી જોઈએ?

જવાબ :  

શેરડીની જાત વહેલી પાકતી જાતો, ૧ર થી ૧૩ મહિને, મધ્યમ મોડી પાકતી જાતો, ૧૩ થી ૧૪ મહિને રોપણી પછી કાપવી.

(14) શેરડીની કાપણી બાદ પાતરી બાળવી જોઈએ કે નહિ?

જવાબ :  

ખેતરમાં શેરડીની પાતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી.

(15) શેરડીનો લામ પાક લેવા માટે શું કાળજી રાખવી જોઈએ?

જવાબ :  
 1. શેરડીના જડીયામાંથી આંખોમાં અંકુર નીકળે તે માટે કાપણી જમીન સપાટીથી બરાબર સરખી રીતે કરવી જોઈએ .
 2. પ્રથમ પિયત આપ્યા બાદ વરાપે શેરડીના જડીયાની બંને બાજુ હળથી ખેડ કરવી.
 3. જયાં પ૦ સે.મી. થી વધારે અંતરના ખાલા પડેલા હોય ત્યાં અગાઉથી ઉછરેલ જે તે જાતના અંકૂરિત પીલા રોપી ખાલા પુરવા.
 4. હેકટર દીઠ ૩૦૦ કિ.ગ્રા.નાઈટ્રોજન ત્રણ હપ્તામાં (રપ ટકા પાયાના ખાતર તરીકે પ૦ ટકા બે થી ત્રણ મહિને, રપ ટકા પાળા ચઢાવતી વખતે) આપી તેને ૪-પ મહિને પાળા  ચઢાવવા.
 5. પ્રથમ લામ પાકને હેકટર દીઠ ૬ર.પ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૧રપ કિ.ગ્રા. પોટેશ્યમ પ્રથમ ખેડ સમયે આપવું. 
 6. લામ પાક ત્રણથી  ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નિદાંમણ કરવુ તથા આંતરખેડ કરવી.
 7. પ્રથમ લામ પાક માટે કુલ ૧૪ પિયત આપવાની જરૂરીયાત છે.
 8.  રોપાણ પાકનું ઉત્પાદન સંતોષકારક હોય તેમજ પાક રોગમુકત હોય તો જ લામ પાક લેવો.

(16) શેરડીના પાકમાં કયાં આતરપાકો લઈ શકાય ?

જવાબ :  

શેરડી સાથે આંતરપાક તરીકે ડુંગળી અથવા લસણ અથવા ચણા લઈ શકાય તેમજ અન્ય ટૂંકા ગાળાના કઠોળ પાક અથવા શાકભાજીના પાક પણ લઈ શકાય.