i-ખેડૂત FAQ
પ્રશ્નો અમોને મોકલો મોબાઇલ એપ્લિકેશન કૃષિ વિશે માહિતી

:: ખેડૂત મિત્રોને મુંઝવતા કૃષિ વિષયક પ્રશ્નો ::

i-ખેડૂત પ્રશ્નો અને ઉકેલ(faq.ikhedut.aau.in) ની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કૃષિ તાંત્રિકતા / માહિતીનો ઉપયોગ માટેની શરતો (ડિસ્કલેમર)

(1) સોયાબીનની જાત વિષે માહિતી આપો.

જવાબ :   સોયાબીનની સારી જાત એન.આર.સી.-૩૭(અહલ્યા-૪) છે. સોયાબીનની માહિતી માટે કૃષિ સંશોધન કેન્દ્ર અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુવાલીયા ફાર્મ ,દાહોદ પિન-૩૮૯૧૫૧ (ફોન: ૦૨૬૭૩-૨૪૫૬૪૯/૨૨૦૪૨૩) ખાતે સંપર્ક સાધવો.

(2) સોયાબીનનો પાક અમારા વિસ્તારમાં કરી શકાય કે કેમ ?

જવાબ :   સોયાબીનનો પાક પંચમહાલ, વડોદરા,દાહોદ, જીલ્લાઓમાં લઈ શકાય છે. તેની વધુ વિગત માટે આપના જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તથા ખેડૂત તાલીમ કેન્દ્રનો સંપર્ક સાધવો.

(3) સોયામિલ્ક પ્રોસેસ માટે ડેમો ક્યાં જોવા મળશે?

જવાબ :   સોયામિલ્ક પ્રોસેસ અંગેની માહિતી માટે આચાર્યશ્રી, ડેરી સાયન્સ કોલેજ, આકૃયુ., આણંદ-૩૮૮૧૧૦ (ફોન: ૦૨૬૯૨-૨૬૧૦૩૦) નો સંપર્ક સાધવો. તેના ઉદ્યોગ અને તાલીમ વિષયક જાણકારી મેળવવા માટે સોયાબીન પ્રોસેસિંગ એન્ડ યુટિલાઈઝેશન સેન્ટર, સીઆઈએઈ,નબીબાગ, બેરાસીયા રોડ, ભોપાલ-પિન. ૪૬૨૦૩૮(ફોન : ૦૭૫૫-૨૭૩૭૧૯૧, ૨૭૩૦૯૮૦ થી ૮૪) ખાતે સંપર્ક કરવો.

(4) સોયાબીનનું વાવેતર કયારે કરવું જોઈએ?

જવાબ :  

જૂન - જુલાઈ માસમાં પૂરતો વરસાદ થયે વાવેતર કરવું, જુલાઈ માસના બીજા પખવાડીયામાં વાવેતર કરવાથી ચોમાસાના પાછોતરા વરસાદથી પાકને થતા નુકશાનથી બચાવી શકાય.

(5) સોયાબીનના વાવેતર માટે જમીન કેવી રીતે તૈયાર કરવી?

જવાબ :  

સોયાબીનના છોડના મૂળ ઉંડા જતા હોય હળથી ખેડ કરી ત્યાર પછી કરબથી આડી ઉભી ખેડ કરી જમીન ભરભરી કરવી. આવી રીતે તૈયાર કરેલ જમીનમાં વાવણી સારી રીતે થઈ શકે છે અને ઉગાવો સારો અને એકસરખો થાય છે. જમીનની તૈયારી વખતે સારૂ કહોવાયેલું છાણિયુ ખાતર ૧૦ ટન પ્રતિ હેકટરે નાંખવું.

(6) સોયાબીનના પાકમાં કઈ જાતનું વાવેતર કરવું?

જવાબ :  

ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-૧ જયાં વધારે વરસાદ વાળા  વિસ્તાર માટે ગુજરાત સોયાબીન-ર  જાતની પસંદગી કરવી જોઈએ. આ ઉપરાંત ગુજરાત સોયાબીન-૩ અને કલાર્ક જાતોની મિશ્ર/આંતર પાક તરીકે પસંદ કરવી. એન.આર.સી-૩૬ અને જે.એસ.-૩૩પ જાતનું ઉત્પાદન પણ આપણે ત્યાં સારૂ મળે છે. 

(7) સોયાબીનનું કેટલા અંતરે વાવેતર કરવું?

જવાબ :  

ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે ૪પ સે.મી. અને હલકી જમીનમાં ૩૦ સે.મી. અંતર રાખવું અને એક જ હરોળમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી. અંતર જળવાય તે રીતે બીજની વાવણી કરવી. બીજની વાવણી ૪-પ સે.મી. ઉંડાઈએ કરવી જોઈએ. વધારે ઉંડી કે વધારે છીછરી વાવણી કરવાથી ઉગાવો બરાબર થતો નથી.

(8) સોયાબીન માટે હેકટરે કેટલું બિયારણ જરૂર પડે છે?

જવાબ :  

જાત અને ઉગાવાના ટકાને આધારે હેકટરે ૬૦ થી ૭પ કિલો બિયારણની જરૂર પડે છે.

(9) સોયાબીનના બીજને કઈ કઈ માવજત આપવી જરૂરી છે?

જવાબ :  

સોયાબીનનો પાક નવો હોવાથી વાવેતર કરતાં પહેલાં રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે. ભલામણ મુજબ રાઈઝોબીયમ કલ્ચરની માવજત આપી છાંયડામાં અડધો કલાક સૂકવવું. આ ઉપરાંત બીજ જન્ય રોગોથી પાકને બચાવવા ફુગનાશક દવાનો પટ પણ આપવો જોઈએ. સોયાબીન જો ઉંડે વવાય જાય તો ફુગથી કહોવાઈ જાય છે. તેનાથી બચવા બિયારણને કિલો બીજ દીઠ ૪.પ૦ ગ્રામ થાયરમ કે ર.પ ગ્રામ કાર્બેંદિજામ દવાનો પટ આપવો.

(10) સોયાબીનના પાકમાં ખાતર કેટલું અને કયારે આપવું ?

જવાબ :  

પાકની વાવણી સમયે ચાસમાં ૩૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું. ખાતરનો બધો જ જથ્થો એકી સાથે પાયાના ખાતર તરીકે આપ્યા બાદ બીજનું વાવેતર કરવું.

(11) સોયાબીનમાં શરૂઆતની અવસ્થાએ મોલોનો ઉપદ્વવ જણાય તો શુંપગલા લેવા?

જવાબ :  

મોલોમશી જીવાત છોડમાંથી રસ ચૂસી છોડની વૃદ્ધિ અટકાવે છે. તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવા  જેવી કે, ડાયમીથોએટ ૧૦ મિ.લી., ફોસ્ફામીડોન પ મિ.લી., મીથાઈલ ઓડીમેટોન ૧૦ મિ.લી. દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

(12) સોયાબીનમાં નિંદણ નિયંત્રણ માટે શું કરવું?

જવાબ :  

સોયાબીન ના પાકમાં ર૦ અને ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદ હાથથી નિંદણ કરવાથી નિંદણ નિયંત્રણ કરી શકાય છે, પરંતુ જયાં નિંદણનો ઉપદ્રવ વધુ હોય તો એલાકલોર નિંદામણ નાશક દવા હેકટરે ૧.૦ કિ.ગ્રા. પ૦૦ લિટર પાણીમાં ઓગાળી સોયાબીનના વાવેતર બાદ તૂરત જ છંટકાવ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ કરી શકાય છે.

(13) સોયાબીનમાં પાક સંરક્ષણના શું પગલા લેવા જોઈએ?

જવાબ :  
  • હાલમાં સોયાબીનનો પાક આપણા વિસ્તારમાં નવો હોય રોગ-જીવાત વધારે જોવા મળતા નથી. પરંતુ અનુકૂળ આબોહવામાં રોગ-જીવાત વધવાથી નુકશાન થઈ શકે છે. આપણા વિસ્તારમાં સોયાબીનના પાક ઉપર ઉગ્યા પછી ૧પ-ર૦ દિવસમાં કાતરાથી નુકશાન શરૂ થાય તો સત્વરે ભલામણ મુજબ કિટનાશક દવાનો છંટકાવ કરવો. શરૂઆતની અવસ્થામાં ઈયળોથી થતું નુકશાન કોઈકવાર પાકને સંપુર્ણપણે સાફ કરી નાંખે.
  • સોયાબીનમાં વાયરસથી થતો રોગ પીળો મોઝેક મુખ્યત્વે સફેદ માખીથી ફેલાય છે. તેનાથી બચવા સફેદ માખીના નિયંત્રણ માટે દવા વાપરવી તથા અસરગ્રસ્ત છોડ ઉખાડી સત્વરે નાશ કરવા. સોયાબીનમાં ફુગથી થતાં અન્થ્રેકનોઝ, રસ્ટ વિગેરે રોગો કોઈકવાર આવે છે. તેના નિયંત્રણ માટે ફૂગનાશક દવાનો છંટકાવ કરવો.

(14) સોયાબીનની કાપણી કયારે કરવી જોઈએ દાણા કઈ રીતે છુટા પાડવા જોલએ?

જવાબ :  

જાત અને ઋતુ પ્રમાણે સોયાબીન ૮૦ થી ૧૧પ દિવસમાં કાપવા માટે તૈયાર થઈ જાય છે. મોટા ભાગના પાન પીળા પડી જાય અને મોટા ભાગની પકવ શીંગો પીળી પડી જાય એટલે પાક કાપણી માટે તૈયાર થઈ ગયો ગણાય અને સત્વરે કાપણી કરી લેવી. કાપણીમાં વિલંબ થવાથી શીંગો છોડ પર જ ફાટી જઈ દાણા ખરી પડે છે અને હાથમાં આવેલુ ઉત્પાદન ગુમાવી દેવાનો વારો આવે છે. જમીનના સપાટીએથી છોડ કાપ લઈ પ-૬ દિવસ સુકવી ઝુડીને દાણા છૂટા પાડવા. બળદો ફેરવીને, ટ્રેકટર ફેરવીને કે પાવર થ્રેસરથી પણ દાણા છુટા પાડી શકાય. દાણા સાફ કરી તાપમાં ર-૩ દિવસ સુકવી સંગ્રહ કરવો જોઈએ.

(15) સોયાબીનનું હેકટરે કેટલું ઉત્પાદન મળે છે?

જવાબ :  

પૂરતી માવજત અને સમયસર ખેતી કાર્યો  કરવામાં આવે તો હેકટરે ૧પ૦૦ થી ર૦૦૦ કિ.ગ્રા. ઉત્પાદન મેળવી શકાય છે.